| મૃત્યુ શું છે એ તો ઘણા જણા જાણતા નથી. મૃત્યુ એક મહામિલનનો માંગલિક પ્રસંગ છે. માનવી પોતાના જીવનમાં ઘણા ઉત્સવો ઉજવે છે તેમાં છેલ્લો માંગલિક પ્રસંગ તે મૃત્યુનો છે.
જેને સુંદર રીતે જીવતાં આવડે છે તેને સુંદર રીતે મરતાં પણ આવડે. જેને જીવતાં આવડતું નથી તે આખરે કૂતરા-બિલાડાની મોતે મરે છે.
માણસ ગમે તેટલા ભૌતિક સુખો પ્રાપ્ત કરે પણ જ્રયાં સુધી તેના મનમાં મૃત્યુનો ભય હોય ત્યાં સુધી જીવનમાં ખરો આનંદ માણી નહિ શકે. જેને મરવાનો ભય છે તે વગર મોતે મરે. અગર તો મરતાં મરતાં જીવે છે. જો માનવી અનાસક્ત જીવન જીવી જાણે તો તે મૃત્યુને પણ માણી શકે. એમાં જે ખુમારી, જે મસ્તી છે તેનો અનુભવ કરી શકે.
આખી જિંદગીનો સરવાળો મૃત્યુ છે. અંતિમ શ્વાસ અને અસ્તિત્ત્વની ગતિ વિના વિઘ્ને મળે ત્યારે તેનું મૃત્યુ સભાન અવસ્થામાં થાય.
બુદ્ધ જેવા જ્ઞાની લોકો પોતાના મૃત્યુ વિશે આગાહી કરી શકે છે.
એક પ્રસંગ જોઈએ : બુધ્ધ શિષ્ય આનંદ ને કહે છે, આનંદ ! હું આજની છેલ્લી રાત છું, તારે જે પુછવું હોય તે પૂછી લેજે. કાલે સવારે હું નથી. હું અસ્તિત્ત્વની ગતિમાં ભળી જાઉં છું.
આપણને મૃત્યુનો ભય હોય છે, કારણ કે તેમાં આપણે ઘણી બાબતો છોડવી પડે છે. જ્ઞાત બાબતો, બેંકના ખાતાઓ, કુટુંબ - કબીલો વગેરે જેને આપણે મમતાથી વળગી રહ્યા હતા તે બધું છોડવાની વેળા આવે ત્યારે આપણે ગભરાઈ જઈએ. પણ જો આપણે સભાન અને પૂર્ણ જાગૃતિથી મૃત્યુમાં પ્રવેશ કરીએ તો મૃત્યુનો ભય જતો રહે.
જ્રયારે માનવીને જીવલેણ રોગ થયો હોય અને તેમાંથી મુક્ત થાય ત્યારે તેને આનંદ ઉપજે છે. માનવીને લાગે છે કે ''હું મૃત્યુને હાથ દઈને પાછો આવ્યો'' આવો માનવી જ્રયારે એકલો પડે ત્યારે વળી પાછો તેને મૃત્યુનો ભય સતાવે છે. આવે વખતે માનવીને કોઈના આશ્વાસનની જરૂર પડે છે. માનવીને લાગે કે હું એકલો નથી. મને કોઈનો સહારો છે.
માનવીનું મન જે હોય તેને જાળવી રાખવામાં માને છે. સાતત્યને વળગી રહેવું એવી મનની આદત છે. મન જો આવી આદત છોડી દે અને મન શાંત થાય ત્યારે જ તે સત્યને પિછાણી શકે અને આવું મન ખરું સત્ય શોધી કાઢે. પણ મન હંમેશાં જૂનાને વળગી રહે છે. જ્ઞાતને છોડતાં માનવીને દુઃખ થાય છે, પણ અજ્ઞાતમાં પ્રવેશ કરવો એ જ મૃત્યુનું રહસ્ય છે.
આપણે જોઈએ છીએ કે નદીઓ વહી રહી છે. તે સાગરમાં જ જવાની ! જીવન દુઃખોથી ભરેલ હોય કે સુખથી, મોત તો આવવાનું જ ?
જીવન તો નદીના વેગની જેમ વહી રહ્યું છે તે જોતજોતામાં મૃત્યુના મહાસાગરમાં આપણે સૌને ખેંચી જશે. જો જીવનમાં સદ્ગુણો પ્રાપ્ત કર્યા હશે, મનને સત્કાર્યમાં જોડી દેવામાં આવ્યું હશે, આ જીવનની પ્રત્યેક પળને જો આત્મજ્ઞાન કે જાગૃતિ દ્વારા રાગ વગરનું, મમતા વિનાનું બનાવ્યું હશે, ભૂતકાળ, ભવિષ્યકાળને ભૂલી જઈને વર્તમાનમાં રહીને જ આ આત્મગુણોનો સંયમ કેળવ્યો હશે તો મૃત્યુનો ડર જરા પણ રહેતો નથી.
યાદ રાખજો મોતને અટકાવવાના પ્રયત્નોમાં આજ સુધીમાં કોઈ કરોડપતિ, લાખોપતિ, ગરીબ કે શ્રીમંત, રંક કે રાયને સફળતા મળી નથી. માટે અંત ઘડી સુધારવા ઈશ્વરને ચરણે જઈ અસ્તિત્ત્વના તારની સાથે તાર સાંધી દઈ જીવનમુક્ત બનીએ. મન પર જો આત્માનો કાબૂ ન હોય તો આ શરીર અને મન આત્માને ભવસાગરમાં ક્યાંય ફેંકી દે છે. પણ જો શરીર અને મન પર આત્માનો બરાબર કાબૂ હોય તો એના સદુપયોગ દ્વારા આત્મા પોતાના મૂળ સ્થાન એવા પરમ અસ્તિત્ત્વ સુધી પહોંચી જાય છે અને શરીર તથા મનથી કાયમ મુક્ત બની જાય છે.
આપણે સફળ બનવું છે ? તો ચિંતા છોડો મોતની. એ એના સમયે આવીને ઊભું જ રહેવાનું છે પણ એ જ્રયારે આવે ત્યારે એનોય શાંતિથી સ્વીકાર કરો. જરા જુઓ મનને કાયમ માલિક બન્યા રહેવામાં રસ છે તો પછી શાંતિને બદલે અશાંતિ જ મળે ને આસક્તિ છોડવી પડશે અને ધન મિલ્કત છોડવા પડશે. નહિતર પછી મોત આવીને બધુંય ઝૂંટવી લેશે. ત્યારે આજથી જ બધું છોડી. આપણા સ્વ મનને ઓળખો.
પળપળની જાગૃતિ એ જ મનની માવજત. જે મનમાં જાગૃતિનો દીપક સતત પ્રજવલિત રહેતો હોય છે એ મનમાં મૃત્યુનો ડર ક્યારેય નથી લાગતો.
જે જન્મે છે તે વહેલો કે મોડો મરે, આ અચૂક નિયમને વિશ્વમાં કોઈ ફેરવી શકતું નથી.
આપણે જન્મ લઈએ ત્યારથી મૃત્યુ પોતાનો હક્ક નોંધાવી દે છે. જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યું.
પ્રભુએ આપણને બુદ્ધિ, સંપત્તિ ઇત્યાદિ આપ્યાં છે. જગતમાં આવીને આપણે તેનો કેવો ઉપયોગ કર્યો તેનો હિસાબ આપવા જગત પિતા પાસે જવું એનું નામ મૃત્યુ. મરણ એટલે એક પ્રકારનું વિસ્મરણ. જગતમાં સ્મરણનું જેટલું મહત્ત્વ છે, વિસ્મરણનું પણ તેટલું જ મહત્ત્વ છે. જન્મથી આપણે જે જે કર્યું, જે જે સાંભળ્યું, જે જોયું, જે મનમાં આવ્યું, તે બધું જો યાદ આવ્યા કરે તો કેટલો બોજો થઈ જાય તેના નીચે આપણે દબાઈ જઈએ અને જીવન અસહ્ય થઈ જાય. મૃત્યુમાં અસીમ પાસે જવાનું છે તે સાથે છે તે સમજણ આવ્યા પછી અજ્ઞાનતા રહેતી નથી તેથી મૃત્યુના ભય રહેતો નથી. મરણ માણસને સાવધ કરે છે. એકવાર મરવાનું છે એવી સમજણથી માણસનું વર્તન કે જીવન બદલાઈ જાય છે. મરણ છે તેથી જ જગતમાં પ્રેમ છે. પણ મરણ ભયંકર લાગે છે તેનાં બે કારણો છે. (૧) સંબંધોની મોહકતા (૨) અજ્ઞાનતા.
મરણ એક મંગળ ઉત્સવ છે. આત્મા અજર અમર છે. અનાદિ છે, અનંત છે. જન્મ છે તો મૃત્યુ છે જ. પરંતુ મૃત્યુ કોઈને નથી ગમતું અને બધાં તેને દૂર ઠેલવા પ્રયત્ન કરે છે, પરંતુ ઠેલી શકાતું નથી. તો મનને મારો નહિ. ધિક્કારો નહિ. પણ મનને સમજો. મનને સમજશો તો તમો તમારી પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકશો. સમજવાની આ ક્રિયા દરમ્યાન જો તમારું ''હું'' પણું તમારો ''હુંકાર'' કે અહંકાર ઓગળવા માંડશે તો તમો સ્વ સ્વરૂપની પીછાન પામશો, તમે શરીર નથી પણ અનંત એવું આત્મ સ્વરૂપ છો તે તમને સમજાશે. અને પછી તમે જાણશો કે મૃત્યુનો પણ એક આનંદ છે. મૃત્યુ પણ એક ઉત્સવ છે. અલૌકિક અનુભૂતિ છે.
સૂર્યોદય પછી સૂર્યાસ્ત, બાળપણ પછી યુવાની, યુવાની પછી ઘડપણ, વસંત પછી પાનખર અને જન્મ પછી મરણ. અસ્તિત્ત્વનું આ સત્ય છે. હવે વિચારવાનું એટલું જ આ અફર બાબતો, હકીકતોના સહજ સ્વીકાર અને સ્વાગત દ્વારા, ઉત્સવ દ્વારા મનને સ્વસ્થ રાખવું કે પછી એના ઈન્કાર દ્વારા મનને સતત નિર્બળ કે વ્યસ્ત રાખવું ? મોતને ટાળવાનું જો માનવીના હાથમાં હોત તો આ જગતમાં એક પણ માનવી મરી ગયો હોત ! ના કોઈ જ ના મરત. પણ મોત એ માનવીને ફરજિયાત સ્વીકારવું પડે એવું સત્ય છે. અલબત્ત જન્મ થયા પછી મોત નિવારી નથી શકાતું પણ સુધારી તો અવશ્ય શકાય છે. અને મરણને ત્રાસરૂપ બનતું અટકાવીને મંગળમય આનંદમય બનાવી શકાય છે. આનંદ મંગળ ઘડપણને સુખી કરી શકાય છે. |